વહેલી સવારે ખુલે, ઘરની જ્યાં બારી અને ખુલે વાંસેલ બધાં બારણાં !
સુરજના સોનેરી કિરણ અડતાં જ અહો અનહદનાં અમને ઓવારણા !
બુલબુલનો તોર જાણે એવો કે કંઠ એને આવીને બેઠાં છે ક્હાન !
ફુલોની સાથે પતંગિયાને રોજ રોજ ઝાકળમાં કરવાનું સ્નાન !
સાવ રે સહજતાથી થઈ જાતી અણદીઠા ઈશ્વરની મધમીઠ્ઠી ધારણા !
વહેલી સવારે ખૂલે, ઘરની જ્યાં બારી અને ખુલે વાંસેલ બધાં બારણાં !
ફળિયે રૂઆબભેર ખિસકોલી આવતી, ગેલ કરે મોર ને ઢેલડિયું !
ગલગોટો મંદ મંદ મલકી પડે છે :
કેવી ગમ્મત કરે છે બેલડિયું !
આથમતી સાંજ સમે વાગોળું ગળચટ્ટી વહેલી સવારનાં સંભારણા !
વહેલી સવારે ખૂલે, ઘરની જ્યાં બારી અને ખુલે વાંસેલ બધાં બારણાં !
કમલેશ સોનાવાલા