બંધ કર નાટક તું, વિદુષક બની ‘કમલ’
જો બધા હસીને, ચાલ્યા ગયા હવે.
ના ચાડિયો બનીને, તું ઊભો રહે ‘કમલ’
પંખી બધા ચણીને, ઊડી ગયા હવે.
નિષ્ફળ પ્રણયની કેવી, આ નિશાની ‘કમલ’
સૂતા એ ચેનથી ને, તું જાગ્યા કરે હવે.
બંદી બનાવે એવો પ્રેમ, ના કરીશ ‘કમલ’
મુમતાજને આ તાજ પણ, ગમતો નથી હવે.
મદિરા પીવાની આરઝૂ, કેવી હતી ‘કમલ’
પીતો નથી ને તે છતાં, ભૂલતો નથી હવે,
આશા હતી કે આસ્થા, એની તને ‘કમલ’,
પીઠામાં જઈને શોધે તું, તારો ખુદા હવે.
ઈશ્વર ભરોસો તેં કર્યો, આખો જનમ ‘કમલ’,
તો પણ તને જો છેતર્યો, પથ્થર બની હવે.
કેવી હશે સફર, આ જીવન તણી ‘કમલ’
ચોપાટીથી જાશે એ, ચંદનવાડી હવે.
સંગીત : પંકજ ઉધાસ
સ્વર : પંકજ ઉધાસ