વખતના વહેણમાં અટકી ગઈ
યાદ તણી ગઝલ
તમારાં નયનમાં બાંધી છતાં,
છટકી ગઈ ગઝલ…
માંગી મેં પાંખડી,
તેં આપ્યું ગુલાબ
અણિયાળી આંખડી
ને છલકે શરાબ, માંગી મેં પાંખડી…
માંગ્યો મેં મોરલો
દીધો ઝરમર વરસાદ
ટમકંતો તારલો
જાણે સાજનનો સાદ… માંગી મેં પાંખડી…
માંગી મેં ચાંદની…
તે ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે
ફૂલોનો શબાબ.. અણિયાળી આંખડી
માંગ્યું મેં મન
દીધું આખું ગગન
અંગડાતું જોબન જાણે
સમીરી ચમન… માંગી મેં પાંખડી
માંગ્યો મેં ટહુકો
દીધા અંતરના બોલ
ફાગણી ગુલાલમાં છે
જીવતરના કોલ…
માંગી મેં પાંખડી
કમલેશ સોનાવાલા
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : મિતાલી સિંઘ, રૂપકુમાર રાઠોડ