મેં તો મોરપીંછની મઢૂલી બનાવી મારા શ્યામ
તમે કેમ નથી લેતાં આવવાનું નામ ?
જિંદગી જાય વીતી આમને આમ
મેં તો મોરપીંછની….
કદંબ તણી ડાળીથી નીરખે એ ગોપી જળમાં
નીતર્યું છે રાધા-યૌવન, પ્રભુ પડ્યા પ્રણયમાં
રાધા વસે છે તારા દિલમાં ઘનશ્યામ
જિંદગી જાય વીતી આમને આમ
કાલિન્દીને કાંઠે તલસે છે શ્યામને મળવા
રજકણ બનીને વિખર્યાં રાધા ચરણને ચૂમવા
મારો આતમ ઝંખે મુરલીધર શ્યામ
જિંદગી જાય વીતી આમને આમ
નજરું ના જગની લાગે ઘનશ્યામ તારા મિલનમાં
કાજળ બની એ નિખર્યાં રાધા તારા નયનમાં
“કમલ” જપે હવે રાધે રાધે શ્યામ
જિંદગી જાય વીતી આમને આમ
કમલેશ સોનાવાલા