સૂર્ય માટે કવિતા ને ચાંદ માટે ગીત છે !
ભવભવનાં નાતા, એ જન્મોનાં મિત છે !
હૈયું ખોલું તો વ્હેતું એક ઝરણ છે…
દિલને કહું બોલ, તો હલતું એક તરણ છે…
અક્ષર કહી જાતાં, મારા મનમાં બુલબુલ છે !
સાક્ષરો ક્યાંથી જાણે કે બોલ આ અણમોલ છે !
સૂર્ય માટે કવિતા ને ચાંદ માટે ગીત છે !
ભવભવનાં નાતા, એ જન્મોનાં મિત છે !
ગાતાં લખું તો કહેતાં કે આ ગીત છે;
લખીને જો ગાઉં તો કહેતાં : આ શી રીત છે?
દિલના ડૂસકાં સમી છાની આ પ્રીત છે;
ને ચહેરો મારો તો વિદુષકની જીત છે !
સૂર્ય માટે કવિતા ને ચાંદ માટે ગીત છે !
ભવભવનાં નાતા, એ જન્મોનાં મિત છે !
કમલેશ સોનાવાલા