રોજ સાંજે નવી રાતની સવાર પડે ને જલ્સા, વાલમ !
મીઠાં શબ્દો, મબલખ વસ્ત્રો, મદિરા પ્યાલી, જલ્સા, વાલમ !
નવી રાતની નવી જીંદગી; નવા વાલમ ને જલ્સા, વાલમ !
તમને તો આ જલ્સા વ્હાલાં ને અમને તો વ્હાલાં, વાલમ !
મ્હેલ તણી છતની નીચે સૂતો’તો, મને ભીંત ડરાવે;
યાદોની એક લાશ સૂએ ને ભૂતની ઝાંખી રોજ કરાવે !
સુંદર સપનાં જલ્સા મારા, સાંજ પડે ને રોજ રડાવે;
સવાર થાતાં એ વિખરાતા, દિનચર્યાઓ બધી ભૂલાવે !
થાતું ક્યારેક કે જઈ હું સૂઉં ફૂટપાથે તો જલ્સા થાતે;
કમસેકમ ભીંતોને બદલે ઊંચે પેલું નભ દેખાતે !
ટમટમ તારા, શીતળ ચાંદો, મંદ મંદ હવા લહેરાતે !
પડખે સૂતેલી ચાંદની યાદો, હસીહસીને ડુસકું ખાતે !
જીવનની જંજાળો જાતે, વિદુષક બનેલા મ્હોરા તૂટતે !
અવકાશી જીવ જલ્સા કરવાં ગગન વિહારી થાતે ! જલ્સા વ્હાલાં જલ્સા થાતે !
રોજ સાંજે નવી રાતની સવાર પડે ને જલ્સા, વાલમ !
કમલેશ સોનાવાલા