વહેલી સવારે નીંદરને પૂછ્યું કે હવે જાવું નથી તારે ઘેર ?
નીંદર કહે કે શી છે ઉતાવળ તને; મને પડખું ફેરવવા તો દે !
ફરી થોડીવારે આંખો ઘેરાણી, નયનોને પૂછ્યું કે જાગવું નથી કે તારે કેમ?
નયનો કહે કે શી છે ઉતાવળ તને; મને સપનાઓ તો સાચવવા દે !
આમતેમ જોઈ મારી જાતને પૂછ્યું, ઊઠવું નથી કે તારે કેમ?
મેં તો કહ્યું કે સામે બારીએ તો જો, કીડીને આળસ મરોડવા તો દે !
મનને પૂછ્યું કે ઊંઘવું છે હજી? તો કહે ઊઠીને મળવાનું છે શું?
ઊઠીને મળશે રડવાની ઝંઝટ; આ જીવતરમાં મળ્યું છે શું?
થાકીને મેં આતમને પૂછ્યું કે ખોલવી નથી આંખો કે કેમ?
ઉઘાડું આંખ તો જગત દીસે મિથ્યા, બંધ આંખો એ જ જાગું છું હું !
આમ મારા ઈશ્વરને તો મળવા દે ભાઈ
મારા ઈશ્વરને તો મળવા દે !
કમલેશ સોનાવાલા